Sunday, August 9, 2009

જોખમ ઘણું બધું શીખવે છે

ધન તમારી આસપાસ હવામાં તરી રહ્યું છે. તમે એને પરખો અને અવસર ઝડપી લો. એ ધન તમારું થઇ જશે.

વર્ષોપૂર્વે અમેરિકાના પ્રવાસ દરમિયાન મેં ગ્રેહામ બેલ વિશે એક ટીવી પ્રોગ્રામ જોયો. ગ્રેહામ બેલે નવો નવો જ ટેલિફોન બનાવેલો. બેલને નાણાંની ભારે તકલીફ હતી. એમણે બનાવેલા નવા સાધનની માગ વધતી જતી હતી. તેઓ એ સમયની મોટી કંપની વેસ્ટર્ન યુનિયન પાસે ગયા અને પૂછ્યું કે એમને આ નવા સાધનની પેટન્ટ અને પોતાની નાનકડી કંપની ખરીદવામાં રસ છે?

બેલ કોઇ ગાંડો માણસ હોય એવી રીતે વેસ્ટર્ન યુનિયનનો અઘ્યક્ષ એની પર હસ્યો. એ પછી જે બન્યું એ ઇતિહાસ છે, કેમ કે આ ઘટના પછી અબજો ડોલરના મૂલ્યના ઉધોગનો જન્મ થયો તથા એટીએન્ડટી કંપની અસ્તિત્વમાં આવી.

એ જ સાંજે મેં અખબારોમાં જુદી જ સ્ટોરી જોઇ. એ ૧૯૮૦ના દાયકાના એ સમયની હતી, જયારે અમેરિકા મંદીમાંથી પસાર થઇ રહ્યું હતું. એક બીજી લોકલ કંપની વિષે પણ સમાચાર હતા, જે પોતાનું કદ ઘટાડીને કર્મચારીઓની છટણી કરી રહી હતી. કેમેરા ૪૫ વર્ષના એક છૂટા કરાયેલા મેનેજર પર તકાયેલો હતો, જે પોતાની પત્ની અને બે સંતાનો સાથે લાચારીપૂર્વક કંપનીના માલિકને મળવા દેવાની ગાર્ડને વિનંતી કરી રહ્યો હતો.

એણે હમણા જ લોન પર મકાન ખરીદેલું અને એને ભય હતો કે એ ઘર છિનવાઇ ન જાય. આખો દેશ આ માણસને જોઇ રહ્યો હશે અને એની દયા ખાતો હશે. મેં પણ આ ઘટના પર વિચારવાનું શરૂ કર્યું. હું પોતે ઘણાં વર્ષોનોકરી કરી ચૂકયો છું અને નિવૃત્તિ પછી પોતાનું કામ શરૂ કર્યું છે. આ જ કારણે હું બન્ને સ્થિતિથી બરાબર વાકેફ છું. આપણા સૌની અંદર એક સાહસિક, હોંશિયાર અને જોખમ લેવા તૈયાર માણસ મોજૂદ હોય છે.

બીજી તરફ, આપણે ઘૂંટણ ટેકવી દઇ શરણાગતિ પણ સ્વીકારી લઈએ છીએ. મારો અનુભવ છે કે વધારેપડતા ડર અને જાત પરની શંકાને કારણે જ આપણે કરગરવા લાગીએ છીએ. આ દુનિયામાં મોટે ભાગે સ્માર્ટ લોકો નથી જીતતા, પણ એ લોકો જીતે છે, જે સાહસિક છે. મારો વ્યકિતગત અનુભવ કહે છે કે આપણને વ્યાપારી શક્યતાઓ અને ટેકિનકલ-વ્યવહારુ જ્ઞાનની સાથે સાથે સાહસવૃત્તિની પણ જરૂર હોય છે.

ડરનું પલ્લું ભારે હશે તો તમારી અંદરનો જિનિયસ ચૂપ થઇ જશે. સાહસિક બનવાનું, જોખમ ઉઠાવવાનું શીખો, જેથી તમારી અંદરની પ્રતિભા ડરને તાકાત અને હોંશિયારીમાં બદલી શકે. મેં જોયું છે કે રૂપિયા-પૈસાના મામલામાં મોટા ભાગના લોકો સુરક્ષિત જ રહેવા ઇરછતા હોય છે. હું એકએકથી ચડિયાતા વિશેષજ્ઞની સેવા લઇ શકું છું ત્યારે હું જોખમ શા માટે લઉં છું અને મારો આર્થિક આઇકયૂ વધારવાની કોશિશમાં કેમ મંડયો રહું છું, એવું જયારે પણ મને કોઇ પૂછે છે.

ત્યારે મારો જવાબ હોય છે, ‘વધુ વિકલ્પો માટે’. અત્યારના સમયમાં ઘણું બધું બદલાઇ રહ્યું છે. વસ્તુઓ કેટલી ઝડપથી બદલાઇ રહી છે એનો આપણે જાતે અનુભવ કરી રહ્યા છીએ. આગામી સમયમાં સેંકડો બિલ ગેટ્સ અને અઝિમ પ્રેમજી હશે તથા માઇક્રોસોફ્ટ અને વિપ્રો જેવી કંઇ કેટલીય સફળ કંપનીઓ દર વર્ષે અસ્તિત્વમાં આવશે. અત્યારે જ એવું થવા લાગ્યું છે અને એની ગતિ વધતી જ જવાની છે.

આ બધાંની સાથે મોટી સંખ્યામાં કેટલીય દેવાળિયા કંપનીઓની તાળાબંધી અને છટણી પણ હશે જ. તમારાં સંતાનોને સમજાવો કે અપાર અસ્થિરતા તથા જબરજસ્ત વિકાસની અઢળક તકોના કેવા રોમાંચકારી યુગના આપણે સાક્ષી બની રહ્યા છીએ! આજનો યુગ માહિતીયુગ છે. આજે જે વ્યકિત પાસે યોગ્ય સમયે પૂરતી માહિતી છે એ જ અમીર છે.

સાચું તો એ છે કે ઘણી દ્રષ્ટિએ આજે માહિતી જ દોલત છે. મેં એવા ઘણા લોકોને જોયા છે જેઓ પુરણા વિચારો સાથે જકડાયેલા રહે છે, સખત મહેનતમાં જોતરાયેલા રહે છે, ઇરછે છે કે બધી વસ્તુઓ પહેલા જેવી જ રહે, કેમકે પરિવર્તનથી તેઓ ડરે છે. જૂના વિચારો બોજો બની જાય છે એ વાત બીજાં બધાં ક્ષેત્રો કરતાં બિઝનેસને વધુ લાગુ પડે છે.

એ બોજ એટલા માટે બની જાય છે કે અમુક વિચાર, વ્યવહાર કે રસ્તા વિતેલા સમય માટે બેશક લાભદાયી હતા, પણ ગઇ કાલ તો પસાર થઇ ચૂકી છે. આ વાત લોકો સમજી નથી શકતા. પોતાની સામેના વિકલ્પોને સીમિત રાખવા એ પણ જૂના વિચારોને ચોંટી રહેવા જેવું જ છે. આર્થિક સમજદારીનો અર્થ જ એ છે કે તમારી સામે વધુ વિકલ્પો હોય. તમને તક નહીં મળતી હોય તો આર્થિક હાલત સુધારવા તમે બીજું શું કરી શકો છો?

તમને બિઝનેસ કરવા માટે મોકો મળે પણ તમારી પાસે થોડું ઘણું ધન પણ ન હોય અને બેન્ક પણ મદદ કરવાની ના પાડી દે તો એ સ્થિતિમાં મળેલા અવસરને કેવી રીતે તમારી તરફેણમાં ફેરવી શકો? માની લો કે તમે અંદરનો અવાજ સાંભળીને રોકાણ કરી નાખ્યું, પણ તમારો આઇડિયા નિષ્ફળ થઇ ગયો તો એ સ્થિતિમાં તમે એક લીંબુને લાખો લીંબુમાં કેવી રીતે ફેરવશો?

આ આર્થિક બુદ્ધિમત્તા છે. બુદ્ધિમત્તા વાસ્તવમાં શું છે? સમજદારી + જ્ઞાન જ બુદ્ધિમત્તા છે. આ સમીકરણનું પોસ્ટર બનાવી તમારી દીવાલ પર ટાંગી દો, જેથી તમે એને રોજ જોઇ શકો.

સમજદારી + જ્ઞાન = બુદ્ધિમત્તા.

મોટા ભાગના લોકોને એક જ ઉકેલની ખબર હોય છે, કેમ કે કેજીથી માંડીને આજ સુધી એમને આ જ શીખવાડાયું હોય છે: સખત મહેનત કરો. બચત કરો અને આજકાલ તો એ પણ શીખવવામાં આવે છે કે ઉધાર લઇ લો.

તમારે જાતે આર્થિક બુદ્ધિમત્તા વધારવી જોઇએ તથા તમારાં સંતાનોને પણ એ વધારવાના ઉપાય સૂચવવા જોઇએ, કેમ કે તમે ઇરછો છો કે તેઓ પોતે પોતાનું ભાગ્ય ઘડી શકે. એમને શીખવો કે જે કંઇ બને એનો સ્વીકાર કરે અને પરિસ્થિતિને બહેતર બનાવવાની સતત કોશિશ કરે. ભાગ્યે જ થોડો લોકો જાણે છે કે ધનરાશિની જેમ ભાગ્યને પણ ઘડી શકાય છે.

જો તમે બધું જ બરાબર થવાની રાહ જુઓ તો એનો અર્થ તો એવો થયો કે તમે કાર સ્ટાર્ટ કર્યા પહેલા જ બોરીવલીથી ચર્ચગેટ સુધીનાં બધાં સિગ્નલો લાલમાંથી લીલાં થઇ જાય એની રાહ જુઓ છો. આપણી પાસે એકમાત્ર સૌથી તાકાતવાન સંપત્તિ આપણું મગજ છે. એને સાચી તાલીમ મળી હશે તો આપણે ચપટી વગાડતાં જ દોલત કમાઇ શકીશું. (આ ખરેખર થઇ શકે છે.

ખરેખરા શ્રીમંત લોકો દરરોજ કે દર એક કલાકમાં લાખો રૂપિયા કમાય છે. રજાના દિવસે પણ.) આ દોલત થોડા સૈકા પહેલાનાં રાજા-રાણીની સમજ બહારની છે. સાથેસાથે એ પણ સત્ય છે કે ન કેળવાયેલું મગજ ગરીબી પેદા કરે છે.આ માહિતીપ્રધાન યુગમાં કેટલાક લોકો માત્ર વિચારો અને કરારોના સહારે બેહિસાબ શ્રીમંત બની રહ્યા છે.

સ્ટોક એકસચેન્જમાં જશો તો તમને સમજાશે કે હું શું કહી રહ્યો છું. હાથનો એક ઇશારો, કમ્પ્યુટર સ્ક્રીન પર એક કિલક દ્વારા જ લાખો-કરોડોનો વેપાર થઇ જાય છે - એકપણ રૂપિયાનાં આદાનપ્રદાન વગર. લોકો કેવળ કરારના સહારે લાખો-કરોડો રૂપિયાની લે-વેચ કરી નાખે છે. આપણે આવા સમયમાં જીવી રહ્યા છીએ અને આ વ્યવસ્થા પણ ઝડપથી બદલાઇ જવાની છે.

પ્લાસ્ટિક મની અગાઉના રોકડનું સ્થાન લઇ ચૂક્યાં છે અને બહુ જલદી જ વરર્યુઅલ મની (આભાસી ધન)ની બોલબાલા થઇ જશે. હું કહેવા એ માગું છું કે રોકાણ આવશે અને જશે, બજારો ઊઠશે અને તૂટશે, અર્થવ્યવસ્થા સુધરશે અને એ મંદીમાંથી પણ પસાર થશે. આ દુનિયા તમને જીવનભર એવી તકો આપતી રહેશે, જે આપણે જોઇ નથી શકતા.

સાચું પૂછો તો હવામાં પણ ધન તરી રહ્યું છે. જેટલી આ દુનિયા બદલાશે એટલા જ ફેરફારો ઉધોગ-ધંધામાં પણ આવશે. ત્યારે તમને અને તમારા પરિવારને એટલા અવસર મળશે જેના થકી તમારો પરિવાર આગામી કેટલીય પેઢી સુધી સુરક્ષિત બને.

નીચે કેટલીય મહત્ત્વની શિખામણો આપી છે, જે તમારે તમારાં બાળકોને અવશ્ય સમજાવવી જોઇએ.

- એમને વધુમાં વધુ વાંચવા-શીખવા પ્રેરો
- એમને સમજાવો કે પાયો મજબૂત હોય ત્યારે ઇમારતનું નિર્માણ સહેલું બને છે.
- એમને કહો કે કોઇ કેવી રીતે ઢગલો દોલત કમાઇ શકે છે.
- એમને કહો કે પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવાના વિધવિધ રસ્તા હોઇ શકે છે.
- એમને સમજાવો કે ધન કમાવા માટે કંઇ રોકેટ સાયન્ટિસ્ટ બનવાની જરૂર નથી; આ કામ એ કોઇ રોકેટ વિજ્ઞાન નથી, એ પોતે એ કરી જ શકે છે.
- છેવટે તો આ એક ખેલ જ છે. કયારેક તમારી જીત થશે તો કયારેક હાર.
- જોખમ તો હંમેશાં રહેશે, એટલે એનાથી છટકવા કરતાં એનો સામનો કરતા શીખો.

No comments: