ઇશ્વર કયારેય સફળતા કે નિષ્ફળતા આપતો જ નથી. એને માત્ર એક જ વસ્તુ આપતાં આવડે છે અને એ છે ‘તથાસ્તુ’. આપણા મનમાં ચાલતા દરેક વિચાર પર હર ક્ષણ પરમકપાળુ પરમાત્મા તરફથી તથાસ્તુનો પ્રવાહ ચાલુ જ રહે છે. આપણા દરેક વિચાર પર એક તથાસ્તુ બરાબર ચીપકી જાય છે. આપણે વિચારો કરવામાં સજાગ નથી રહેતા, ખોટા વિચારો કરીએ છીએ અને તેના ઉપર ‘તથાસ્તુ’ થઇ જાય પછી દોષ ઇશ્વરને આપીએ છીએ, ‘હે ઇશ્વર મેં તારું શું બગાડયું હતું કે મને આવાં દુ:ખ આપ્યાં?’ આપણા સકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારના વિચારોમાં પારાવાર તાકાત છે.
આ બંને પ્રકારના વિચારોને બીજ ગણીને અર્ધજાગ્રત મન રૂપી ફળદ્રુપ જમીન અચૂક ઉગાડે છે. જીવનનાં તમારાં જે લક્ષ્ય છે તેની આસપાસના અને એ વિષયના જ વિચારો કર્યા કરશો એટલે આપમેળે તમારી સફળતા તરફની ગતિ વધી જશે. વેરવિખેર વિચારો પરિણામ બદલાતા નથી. માટે વિચારોનું એકત્રીકરણ કરી એને તમારા લક્ષ્ય તરફની દિશા આપો. વિચારોને દિશા મળે ત્યારે જ જીવનને દિશા મળે છે.
લક્ષ્ય તરફી વિચારો કરવા એટલે શું? એ કેવી રીતે કરશો?
તંદુરસ્તીની વાવણી : વિચારો દ્વારા
૧. સ્ફૂર્તિવાન અને તરવરાટવાળા લોકોના વિચારો કરો.
૨. લીલું ઘાસ, વૃક્ષો, ફૂલો અને હરિયાળીના વિચારો કરો.
૩. હસવું આવે તેવા રમૂજી વિચારો કરો.
મીઠા સંબંધોની વાવણી : વિચારો દ્વારા
૧. મળતાવડા અને નિ:સ્વાર્થી લોકોના વિચારો કરો.
૨. તમને બિલકુલ નકારાત્મક લાગતી વ્યકિતમાં કઇ બાબત સારી છે એના વિચારો કરો.
૩. લોકો તમારા માટે કેવો અભિપ્રાય બાંધે તો તમને ગમે એ બાબતના વિચારો કરો.
આર્થિક સમૃદ્ધિની વાવણી : વિચારો દ્વારા
૧.. ધનથી થઇ શકતા શ્રેષ્ઠ કાર્યોના વિચારો કરો.
૨. આકાશ, પાણી, હવા, વનસ્પતિ, જીવસૃષ્ટિ જેવા કુદરતના અખૂટ ખજાનાના વિચારો કરો.
૩. વિકસિત દેશોની સમૃદ્ધિના વિચારો કરો.
રોજ આ પ્રકારના વિચારો કરવાની આદત પાડશો એટલે ધીમે ધીમે તમારી માનસિક દુનિયામાં આમૂલ પરિવર્તન આવતું જશે જે તમને તમારા લક્ષ્ય સુધી લઇ જશે. તમારા હાલના સંજોગો ભલે ગમે તેવા હોય, પણ જો તમે વિચારોને બદલી શકો તો સંજોગોને પણ બદલી શકો. ‘
No comments:
Post a Comment