Sunday, August 9, 2009

શબ્દો દ્વારા વાવણી

વાવણી કરવાની ચોથી અને અતિ સજજડ રીત એટલે શબ્દોથી વાવણી. આપણો દરેક શબ્દ આપણી જાણ બહાર આપણા મનમાં એક ચિત્ર બનાવે છે, જેનો આપણી અર્ધજાગ્રત મન રૂપી ધરતી બીજ તરીકે સ્વીકાર કરી ભવિષ્યમાં એવો જ પાક આપે છે.
આપણા વેદકાલીન શાસ્ત્રોમાં પણ શબ્દોના વિજ્ઞાન વિશે ઘણું લખાયું છે. શબ્દોમાં ગજબની તાકાત છે. ‘ભયંકર ગરમી’ શબ્દ દસ વાર બોલી જુઓ અને પછી ‘ઠંડક’ શબ્દ દસ વખત બોલી જુઓ, હમણાં જ ખ્યાલ આવી જશે. શબ્દો આપણને તાકાત આપે છે અને આપણી તાકાત હણી પણ શકે છે. માટે જ જૂના વખતમાં યુદ્ધના સમયે શૌર્ય ગીતો ગવાતા હતા. આ તો થઇ તાત્કાલિક અસરની વાત, પણ વારંવાર બોલાતાં શબ્દો બીજ બનીને લાંબા ગાળે આપણા જીવનમાં વાસ્તવિકતાનું વૃક્ષ ઉગાડે છે.
તમારા શબ્દો તપાસો. મને આ ન ગમે, મને તે ન ગમે, આવા લોકો સાથે ન ફાવે, તેવા લોકો સાથે ન ફાવે, હેરાન થઇ ગયો, માથું દુખાડી દીધું, મગજની નસ ખેંચી નાખી, ત્રાસ છે જેવા શબ્દો પૂરી નિષ્ઠાથી-નિષ્ઠુરતાપૂર્વક પોતાની ફરજ બજાવે છે અને વ્યકિતની આસપાસ એવા જ સંજોગોનું નિર્માણ કરે છે.
મુંબઇના અમારા એક ઉધોગપતિ મિત્ર અમૃતભાઇએ સમખીયાળી-કરછમાં કરોડો રૂપિયાના ખર્ચે વિશાળ ૨૨ લકઝુરિયસ બંગલાનો પ્રોજેકટ શરૂ કર્યો. પ્રોજેકટમાં જાતજાતના અંતરાયો આવતા રાા અને પ્રોજેકટ લંબાતો ગયો. છેવટે વિધ્નોથી એટલા કંટાળી ગયા કે અવારનવાર બોલ્યા કરે, ‘મને શું સૂઝ્યું કે આ પ્રોજેકટ શરૂ કર્યો? હજુયે જો બુલડોઝર ફેરવી દીધું હોય તો છુટકારો થઇ જાય આમાંથી.’ બસ, બધાંને આ જ વાત કર્યા કરે.
જોકે, પછી બુલડોઝર ફેરવવાની જરૂર ન પડી. થોડા સમયમાં કરછમાં વિનાશક ભૂકંપ આવ્યો અને કોલોનીનું એક પણ મકાન ઊભું ન રહ્યું. અમૃતભાઇ કહે છે કે, પેહલાં તો હું આ ઘટનાને કાગનું બેસવું અને ડાળનું પડવું સમજતો હતો, પણ મનનું વિજ્ઞાન જાણ્યા પછી સમજાયું કે શબ્દો શું કરી શકે છે. એ જ અમૃતભાઇના મોંએથી હવે ‘જબરદસ્ત’ શબ્દ અવારનવાર સાંભળવા મળે છે અને ખરેખર એમની જબરદસ્ત પ્રગતિ દેખાઇ રહી છે.
એ જ રીતે મારા એક મિત્રને વાતવાતમાં ‘કદાચ’ અને ‘લગભગ’ શબ્દો છૂટથી વાપરવારની ટેવ છે. એની કારકિર્દીનું અવલોકન કરતાં તરત જ તાળો મળે છે કે એ શા માટે કોઇ પણ નિર્ણય સ્પષ્ટ રીતે નથી લઇ શકતો.
આપણા વડીલો એક વાત હંમેશાં કહેતા આવ્યાં છે કે, ‘સંત પુરુષોની વાણી કયારેય મિથ્યા થતી નથી.’ એ વાત ખરેખર સાચી છે, પણ જો વારંવાર ઉરચારવામાં આવે તો કોઇનીય વાણી કયારેય મિથ્યા નથી થતી. કાઠિયાવાડમાં કહેવાય છે કે, ‘બોલવું બોલવું ને વળી મોળું શું કામ બોલવું!’
સાવધાનીથી શબ્દો વાપરો, સકારાત્મક શબ્દો વાપરો અને શ્રેષ્ઠ શબ્દો વાપરો.

No comments: