Thursday, August 27, 2009
Gujju
નર્સ - એક એવી વ્યક્તિ જે તમને ઊંઘની ગોળીઓ લેવા માટે ભર ઊંઘમાંથી જગાડે.
લગ્ન - એક એવો બનાવ જેમાં મુરતિયો ‘બેચલર’ની ડીગ્રી ગુમાવે છે અને કન્યા ‘માસ્ટર્સ’ની ડીગ્રી મેળવે છે.
આંસુ - પુરુષના અડગ સંકલ્પને ધોઈ નાખતું પાણી.
લેક્ચર - પ્રોફેસરની નોંધપોથીમાંથી વિદ્યાર્થીની નોંધપોથીમાં ઊતરતું જ્ઞાન જે બંનેના મગજને અસ્પૃશ્ય રહે છે!
કોન્ફરન્સ - ગૂંચવાડો ગુણ્યા હાજર સંખ્યા.
કોન્ફરન્સ રુમ - એક એવી જગ્યા જ્યાં બધા બોલે છે પણ કોઈ સાંભળતું નથી.
પપ્પા - એટીએમ - એની ટાઈમ મની.
બોસ - એક એવી વ્યક્તિ જે તમે મોડા પડ્યા હો તે દિવસે સમયસર હોય અને તમે જે દિવસે સમયસર હો તે દિવસે મોડી.
દાકતર - જે તમારી બિમારીઓ દવા વડે ભગાડે છે અને તમને ખર્ચા વડે મારી નાખે છે!
ગુજરાતી પુસ્તકો - લોકો વખાણે છે પણ વાંચતા નથી.
ખુશી - એક એવો વળાંક જે ઘણું બધું સીધું ને સરળ બનાવે છે!
બગાસું - પરણેલા પુરુષને મોઢું ખોલવા માટેનો સમય.
અનુભવ - ભૂલોનું બીજું નામ.
Sunday, August 23, 2009
Our Life
જીંદગી આપણી !!!
થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે....
અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે.!!
ધુળ જેવી છે જીંદગી આપણી......આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર.!!!
કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી....
સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો.....આખરે તો એ મા-બાપને જ અનુસરશે!!!
બરફ જેવી છે આ જીંદગી ... જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી....
પ્રશ્નો તો રહેવાના જ. સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે..
ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે... પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે.
કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે..જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે!!!
અને છેલ્લે....
શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય.......તે મોત..
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ...........તે મોક્ષ!!
Wednesday, August 19, 2009
Tuesday, August 11, 2009
બીજાની નબળાઈઓ સ્વીકારો
થોડા સમય પછી તેણે બળી ગયેલા ટોસ્ટ અને ફળોની પ્લેટ તેના પતિને આપી. છોકરી એ જાણવા ઇચ્છુક હતી કે બળી ગયેલા ટોસ્ટ જોયા બાદ તેના પિતાની પ્રતિક્રિયા કેવી હશે, જે પોતે દિવસભરના કામથી થાકીને ઘરે આવ્યા હતા. તેમના પેટમાં તકલીફ હતી, આથી જ તેમણે ટોસ્ટ ખાવાની ઇરછા વ્યકત કરી હતી.
પતિએ ટોસ્ટમાં કોઈ ખામી ન કાઢી, ઊલટાનું પત્ની તરફ જોઈને સ્માઇલ આપી, પછી તેની છોકરીને તેના દિવસભરના કામકાજ વિશે પૂછવા લાગ્યા. તેની છોકરીની વાતો સાંભળીને તેણે ટોસ્ટ પર બટર અને જેલી લગાવી અને પછી એક એક કરીને બધા ટોસ્ટ આરામથી ખાઈ લીધા. ડિનર પૂરું કર્યા બાદ પત્નીએ બળી ગયેલા ટોસ્ટ માટે તેમની પાસે માફી માગી. ત્યારે પતિએ કહ્યું કે, ‘ડિયર, મને બળેલા ટોસ્ટ ખાવા ગમે છે.’
તે રાતે તે છોકરી સૂવા માટે જતી વખતે તેના પિતાને ગુડ નાઇટ કહેવા ગઈ. ત્યાં તેણે પિતાને પૂછ્યું કે, ‘શું તમને ખરેખર બળેલા ટોસ્ટ સારા લાગ્યા?’ ત્યારે પોતાની દીકરીના માથે પ્રેમથી હાથ ફેરવતાં તેણે કહ્યું કે, ‘બેટા, તારી મમ્મી આખો દિવસ ઘરનું કામ કરીને બહુ થાકી ગઈ હતી.
એક બળેલા ટોસ્ટ સિવાય તેણે બીજું કોઈ નુકસાન નહોતું કર્યું. તને ખબર છે કે જીવન અધૂરી વસ્તુઓથી ભરેલું છે. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી, કોઈ ને કોઈ દોષ દરેકમાં હોય છે. હું પણ સારું ભોજન નથી બનાવી શકતો અને ઘરની દેખભાળ પણ સારી રીતે નથી કરી શકતો.’ પોતાની વાત ચાલુ રાખતાં તેણે ઉમેર્યું કે, ‘આપણે બીજાની નબળાઈઓનો સ્વીકાર કરતાં શીખવું જોઈએ. આ ઉપરાંત એકબીજાના મતમતાંતરનું પણ સન્માન કરવું જોઈએ.
આ ગુણોની મદદથી જ સ્વસ્થ સંબંધ બની શકે છે.’ ફંડા એ છે કે કોઈ પણ સંબંધનો મુખ્ય આધાર અરસપરસની સમજ છે. તે સંબંધ પછી ભલેને પતિ-પત્ની કે બાળકો અને વાલીઓ વચ્ચેનો હોય. યાદ રાખો કે, ‘એંગર’ અને ‘ડેન્જર’ ની વચ્ચે માત્ર એક જ આલ્ફાબેટનો ફરક હોય છે.
Sunday, August 9, 2009
જોખમ ઘણું બધું શીખવે છે
વર્ષોપૂર્વે અમેરિકાના પ્રવાસ દરમિયાન મેં ગ્રેહામ બેલ વિશે એક ટીવી પ્રોગ્રામ જોયો. ગ્રેહામ બેલે નવો નવો જ ટેલિફોન બનાવેલો. બેલને નાણાંની ભારે તકલીફ હતી. એમણે બનાવેલા નવા સાધનની માગ વધતી જતી હતી. તેઓ એ સમયની મોટી કંપની વેસ્ટર્ન યુનિયન પાસે ગયા અને પૂછ્યું કે એમને આ નવા સાધનની પેટન્ટ અને પોતાની નાનકડી કંપની ખરીદવામાં રસ છે?
બેલ કોઇ ગાંડો માણસ હોય એવી રીતે વેસ્ટર્ન યુનિયનનો અઘ્યક્ષ એની પર હસ્યો. એ પછી જે બન્યું એ ઇતિહાસ છે, કેમ કે આ ઘટના પછી અબજો ડોલરના મૂલ્યના ઉધોગનો જન્મ થયો તથા એટીએન્ડટી કંપની અસ્તિત્વમાં આવી.
એ જ સાંજે મેં અખબારોમાં જુદી જ સ્ટોરી જોઇ. એ ૧૯૮૦ના દાયકાના એ સમયની હતી, જયારે અમેરિકા મંદીમાંથી પસાર થઇ રહ્યું હતું. એક બીજી લોકલ કંપની વિષે પણ સમાચાર હતા, જે પોતાનું કદ ઘટાડીને કર્મચારીઓની છટણી કરી રહી હતી. કેમેરા ૪૫ વર્ષના એક છૂટા કરાયેલા મેનેજર પર તકાયેલો હતો, જે પોતાની પત્ની અને બે સંતાનો સાથે લાચારીપૂર્વક કંપનીના માલિકને મળવા દેવાની ગાર્ડને વિનંતી કરી રહ્યો હતો.
એણે હમણા જ લોન પર મકાન ખરીદેલું અને એને ભય હતો કે એ ઘર છિનવાઇ ન જાય. આખો દેશ આ માણસને જોઇ રહ્યો હશે અને એની દયા ખાતો હશે. મેં પણ આ ઘટના પર વિચારવાનું શરૂ કર્યું. હું પોતે ઘણાં વર્ષોનોકરી કરી ચૂકયો છું અને નિવૃત્તિ પછી પોતાનું કામ શરૂ કર્યું છે. આ જ કારણે હું બન્ને સ્થિતિથી બરાબર વાકેફ છું. આપણા સૌની અંદર એક સાહસિક, હોંશિયાર અને જોખમ લેવા તૈયાર માણસ મોજૂદ હોય છે.
બીજી તરફ, આપણે ઘૂંટણ ટેકવી દઇ શરણાગતિ પણ સ્વીકારી લઈએ છીએ. મારો અનુભવ છે કે વધારેપડતા ડર અને જાત પરની શંકાને કારણે જ આપણે કરગરવા લાગીએ છીએ. આ દુનિયામાં મોટે ભાગે સ્માર્ટ લોકો નથી જીતતા, પણ એ લોકો જીતે છે, જે સાહસિક છે. મારો વ્યકિતગત અનુભવ કહે છે કે આપણને વ્યાપારી શક્યતાઓ અને ટેકિનકલ-વ્યવહારુ જ્ઞાનની સાથે સાથે સાહસવૃત્તિની પણ જરૂર હોય છે.
ડરનું પલ્લું ભારે હશે તો તમારી અંદરનો જિનિયસ ચૂપ થઇ જશે. સાહસિક બનવાનું, જોખમ ઉઠાવવાનું શીખો, જેથી તમારી અંદરની પ્રતિભા ડરને તાકાત અને હોંશિયારીમાં બદલી શકે. મેં જોયું છે કે રૂપિયા-પૈસાના મામલામાં મોટા ભાગના લોકો સુરક્ષિત જ રહેવા ઇરછતા હોય છે. હું એકએકથી ચડિયાતા વિશેષજ્ઞની સેવા લઇ શકું છું ત્યારે હું જોખમ શા માટે લઉં છું અને મારો આર્થિક આઇકયૂ વધારવાની કોશિશમાં કેમ મંડયો રહું છું, એવું જયારે પણ મને કોઇ પૂછે છે.
ત્યારે મારો જવાબ હોય છે, ‘વધુ વિકલ્પો માટે’. અત્યારના સમયમાં ઘણું બધું બદલાઇ રહ્યું છે. વસ્તુઓ કેટલી ઝડપથી બદલાઇ રહી છે એનો આપણે જાતે અનુભવ કરી રહ્યા છીએ. આગામી સમયમાં સેંકડો બિલ ગેટ્સ અને અઝિમ પ્રેમજી હશે તથા માઇક્રોસોફ્ટ અને વિપ્રો જેવી કંઇ કેટલીય સફળ કંપનીઓ દર વર્ષે અસ્તિત્વમાં આવશે. અત્યારે જ એવું થવા લાગ્યું છે અને એની ગતિ વધતી જ જવાની છે.
આ બધાંની સાથે મોટી સંખ્યામાં કેટલીય દેવાળિયા કંપનીઓની તાળાબંધી અને છટણી પણ હશે જ. તમારાં સંતાનોને સમજાવો કે અપાર અસ્થિરતા તથા જબરજસ્ત વિકાસની અઢળક તકોના કેવા રોમાંચકારી યુગના આપણે સાક્ષી બની રહ્યા છીએ! આજનો યુગ માહિતીયુગ છે. આજે જે વ્યકિત પાસે યોગ્ય સમયે પૂરતી માહિતી છે એ જ અમીર છે.
સાચું તો એ છે કે ઘણી દ્રષ્ટિએ આજે માહિતી જ દોલત છે. મેં એવા ઘણા લોકોને જોયા છે જેઓ પુરણા વિચારો સાથે જકડાયેલા રહે છે, સખત મહેનતમાં જોતરાયેલા રહે છે, ઇરછે છે કે બધી વસ્તુઓ પહેલા જેવી જ રહે, કેમકે પરિવર્તનથી તેઓ ડરે છે. જૂના વિચારો બોજો બની જાય છે એ વાત બીજાં બધાં ક્ષેત્રો કરતાં બિઝનેસને વધુ લાગુ પડે છે.
એ બોજ એટલા માટે બની જાય છે કે અમુક વિચાર, વ્યવહાર કે રસ્તા વિતેલા સમય માટે બેશક લાભદાયી હતા, પણ ગઇ કાલ તો પસાર થઇ ચૂકી છે. આ વાત લોકો સમજી નથી શકતા. પોતાની સામેના વિકલ્પોને સીમિત રાખવા એ પણ જૂના વિચારોને ચોંટી રહેવા જેવું જ છે. આર્થિક સમજદારીનો અર્થ જ એ છે કે તમારી સામે વધુ વિકલ્પો હોય. તમને તક નહીં મળતી હોય તો આર્થિક હાલત સુધારવા તમે બીજું શું કરી શકો છો?
તમને બિઝનેસ કરવા માટે મોકો મળે પણ તમારી પાસે થોડું ઘણું ધન પણ ન હોય અને બેન્ક પણ મદદ કરવાની ના પાડી દે તો એ સ્થિતિમાં મળેલા અવસરને કેવી રીતે તમારી તરફેણમાં ફેરવી શકો? માની લો કે તમે અંદરનો અવાજ સાંભળીને રોકાણ કરી નાખ્યું, પણ તમારો આઇડિયા નિષ્ફળ થઇ ગયો તો એ સ્થિતિમાં તમે એક લીંબુને લાખો લીંબુમાં કેવી રીતે ફેરવશો?
આ આર્થિક બુદ્ધિમત્તા છે. બુદ્ધિમત્તા વાસ્તવમાં શું છે? સમજદારી + જ્ઞાન જ બુદ્ધિમત્તા છે. આ સમીકરણનું પોસ્ટર બનાવી તમારી દીવાલ પર ટાંગી દો, જેથી તમે એને રોજ જોઇ શકો.
સમજદારી + જ્ઞાન = બુદ્ધિમત્તા.
મોટા ભાગના લોકોને એક જ ઉકેલની ખબર હોય છે, કેમ કે કેજીથી માંડીને આજ સુધી એમને આ જ શીખવાડાયું હોય છે: સખત મહેનત કરો. બચત કરો અને આજકાલ તો એ પણ શીખવવામાં આવે છે કે ઉધાર લઇ લો.
તમારે જાતે આર્થિક બુદ્ધિમત્તા વધારવી જોઇએ તથા તમારાં સંતાનોને પણ એ વધારવાના ઉપાય સૂચવવા જોઇએ, કેમ કે તમે ઇરછો છો કે તેઓ પોતે પોતાનું ભાગ્ય ઘડી શકે. એમને શીખવો કે જે કંઇ બને એનો સ્વીકાર કરે અને પરિસ્થિતિને બહેતર બનાવવાની સતત કોશિશ કરે. ભાગ્યે જ થોડો લોકો જાણે છે કે ધનરાશિની જેમ ભાગ્યને પણ ઘડી શકાય છે.
જો તમે બધું જ બરાબર થવાની રાહ જુઓ તો એનો અર્થ તો એવો થયો કે તમે કાર સ્ટાર્ટ કર્યા પહેલા જ બોરીવલીથી ચર્ચગેટ સુધીનાં બધાં સિગ્નલો લાલમાંથી લીલાં થઇ જાય એની રાહ જુઓ છો. આપણી પાસે એકમાત્ર સૌથી તાકાતવાન સંપત્તિ આપણું મગજ છે. એને સાચી તાલીમ મળી હશે તો આપણે ચપટી વગાડતાં જ દોલત કમાઇ શકીશું. (આ ખરેખર થઇ શકે છે.
ખરેખરા શ્રીમંત લોકો દરરોજ કે દર એક કલાકમાં લાખો રૂપિયા કમાય છે. રજાના દિવસે પણ.) આ દોલત થોડા સૈકા પહેલાનાં રાજા-રાણીની સમજ બહારની છે. સાથેસાથે એ પણ સત્ય છે કે ન કેળવાયેલું મગજ ગરીબી પેદા કરે છે.આ માહિતીપ્રધાન યુગમાં કેટલાક લોકો માત્ર વિચારો અને કરારોના સહારે બેહિસાબ શ્રીમંત બની રહ્યા છે.
સ્ટોક એકસચેન્જમાં જશો તો તમને સમજાશે કે હું શું કહી રહ્યો છું. હાથનો એક ઇશારો, કમ્પ્યુટર સ્ક્રીન પર એક કિલક દ્વારા જ લાખો-કરોડોનો વેપાર થઇ જાય છે - એકપણ રૂપિયાનાં આદાનપ્રદાન વગર. લોકો કેવળ કરારના સહારે લાખો-કરોડો રૂપિયાની લે-વેચ કરી નાખે છે. આપણે આવા સમયમાં જીવી રહ્યા છીએ અને આ વ્યવસ્થા પણ ઝડપથી બદલાઇ જવાની છે.
પ્લાસ્ટિક મની અગાઉના રોકડનું સ્થાન લઇ ચૂક્યાં છે અને બહુ જલદી જ વરર્યુઅલ મની (આભાસી ધન)ની બોલબાલા થઇ જશે. હું કહેવા એ માગું છું કે રોકાણ આવશે અને જશે, બજારો ઊઠશે અને તૂટશે, અર્થવ્યવસ્થા સુધરશે અને એ મંદીમાંથી પણ પસાર થશે. આ દુનિયા તમને જીવનભર એવી તકો આપતી રહેશે, જે આપણે જોઇ નથી શકતા.
સાચું પૂછો તો હવામાં પણ ધન તરી રહ્યું છે. જેટલી આ દુનિયા બદલાશે એટલા જ ફેરફારો ઉધોગ-ધંધામાં પણ આવશે. ત્યારે તમને અને તમારા પરિવારને એટલા અવસર મળશે જેના થકી તમારો પરિવાર આગામી કેટલીય પેઢી સુધી સુરક્ષિત બને.
નીચે કેટલીય મહત્ત્વની શિખામણો આપી છે, જે તમારે તમારાં બાળકોને અવશ્ય સમજાવવી જોઇએ.
- એમને વધુમાં વધુ વાંચવા-શીખવા પ્રેરો
- એમને સમજાવો કે પાયો મજબૂત હોય ત્યારે ઇમારતનું નિર્માણ સહેલું બને છે.
- એમને કહો કે કોઇ કેવી રીતે ઢગલો દોલત કમાઇ શકે છે.
- એમને કહો કે પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવાના વિધવિધ રસ્તા હોઇ શકે છે.
- એમને સમજાવો કે ધન કમાવા માટે કંઇ રોકેટ સાયન્ટિસ્ટ બનવાની જરૂર નથી; આ કામ એ કોઇ રોકેટ વિજ્ઞાન નથી, એ પોતે એ કરી જ શકે છે.
- છેવટે તો આ એક ખેલ જ છે. કયારેક તમારી જીત થશે તો કયારેક હાર.
- જોખમ તો હંમેશાં રહેશે, એટલે એનાથી છટકવા કરતાં એનો સામનો કરતા શીખો.
શબ્દો દ્વારા વાવણી
આપણા વેદકાલીન શાસ્ત્રોમાં પણ શબ્દોના વિજ્ઞાન વિશે ઘણું લખાયું છે. શબ્દોમાં ગજબની તાકાત છે. ‘ભયંકર ગરમી’ શબ્દ દસ વાર બોલી જુઓ અને પછી ‘ઠંડક’ શબ્દ દસ વખત બોલી જુઓ, હમણાં જ ખ્યાલ આવી જશે. શબ્દો આપણને તાકાત આપે છે અને આપણી તાકાત હણી પણ શકે છે. માટે જ જૂના વખતમાં યુદ્ધના સમયે શૌર્ય ગીતો ગવાતા હતા. આ તો થઇ તાત્કાલિક અસરની વાત, પણ વારંવાર બોલાતાં શબ્દો બીજ બનીને લાંબા ગાળે આપણા જીવનમાં વાસ્તવિકતાનું વૃક્ષ ઉગાડે છે.
તમારા શબ્દો તપાસો. મને આ ન ગમે, મને તે ન ગમે, આવા લોકો સાથે ન ફાવે, તેવા લોકો સાથે ન ફાવે, હેરાન થઇ ગયો, માથું દુખાડી દીધું, મગજની નસ ખેંચી નાખી, ત્રાસ છે જેવા શબ્દો પૂરી નિષ્ઠાથી-નિષ્ઠુરતાપૂર્વક પોતાની ફરજ બજાવે છે અને વ્યકિતની આસપાસ એવા જ સંજોગોનું નિર્માણ કરે છે.
મુંબઇના અમારા એક ઉધોગપતિ મિત્ર અમૃતભાઇએ સમખીયાળી-કરછમાં કરોડો રૂપિયાના ખર્ચે વિશાળ ૨૨ લકઝુરિયસ બંગલાનો પ્રોજેકટ શરૂ કર્યો. પ્રોજેકટમાં જાતજાતના અંતરાયો આવતા રાા અને પ્રોજેકટ લંબાતો ગયો. છેવટે વિધ્નોથી એટલા કંટાળી ગયા કે અવારનવાર બોલ્યા કરે, ‘મને શું સૂઝ્યું કે આ પ્રોજેકટ શરૂ કર્યો? હજુયે જો બુલડોઝર ફેરવી દીધું હોય તો છુટકારો થઇ જાય આમાંથી.’ બસ, બધાંને આ જ વાત કર્યા કરે.
જોકે, પછી બુલડોઝર ફેરવવાની જરૂર ન પડી. થોડા સમયમાં કરછમાં વિનાશક ભૂકંપ આવ્યો અને કોલોનીનું એક પણ મકાન ઊભું ન રહ્યું. અમૃતભાઇ કહે છે કે, પેહલાં તો હું આ ઘટનાને કાગનું બેસવું અને ડાળનું પડવું સમજતો હતો, પણ મનનું વિજ્ઞાન જાણ્યા પછી સમજાયું કે શબ્દો શું કરી શકે છે. એ જ અમૃતભાઇના મોંએથી હવે ‘જબરદસ્ત’ શબ્દ અવારનવાર સાંભળવા મળે છે અને ખરેખર એમની જબરદસ્ત પ્રગતિ દેખાઇ રહી છે.
એ જ રીતે મારા એક મિત્રને વાતવાતમાં ‘કદાચ’ અને ‘લગભગ’ શબ્દો છૂટથી વાપરવારની ટેવ છે. એની કારકિર્દીનું અવલોકન કરતાં તરત જ તાળો મળે છે કે એ શા માટે કોઇ પણ નિર્ણય સ્પષ્ટ રીતે નથી લઇ શકતો.
આપણા વડીલો એક વાત હંમેશાં કહેતા આવ્યાં છે કે, ‘સંત પુરુષોની વાણી કયારેય મિથ્યા થતી નથી.’ એ વાત ખરેખર સાચી છે, પણ જો વારંવાર ઉરચારવામાં આવે તો કોઇનીય વાણી કયારેય મિથ્યા નથી થતી. કાઠિયાવાડમાં કહેવાય છે કે, ‘બોલવું બોલવું ને વળી મોળું શું કામ બોલવું!’
સાવધાનીથી શબ્દો વાપરો, સકારાત્મક શબ્દો વાપરો અને શ્રેષ્ઠ શબ્દો વાપરો.
Monday, August 3, 2009
વિચારો દ્વારા વાવણી
ઇશ્વર કયારેય સફળતા કે નિષ્ફળતા આપતો જ નથી. એને માત્ર એક જ વસ્તુ આપતાં આવડે છે અને એ છે ‘તથાસ્તુ’. આપણા મનમાં ચાલતા દરેક વિચાર પર હર ક્ષણ પરમકપાળુ પરમાત્મા તરફથી તથાસ્તુનો પ્રવાહ ચાલુ જ રહે છે. આપણા દરેક વિચાર પર એક તથાસ્તુ બરાબર ચીપકી જાય છે. આપણે વિચારો કરવામાં સજાગ નથી રહેતા, ખોટા વિચારો કરીએ છીએ અને તેના ઉપર ‘તથાસ્તુ’ થઇ જાય પછી દોષ ઇશ્વરને આપીએ છીએ, ‘હે ઇશ્વર મેં તારું શું બગાડયું હતું કે મને આવાં દુ:ખ આપ્યાં?’ આપણા સકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારના વિચારોમાં પારાવાર તાકાત છે.
આ બંને પ્રકારના વિચારોને બીજ ગણીને અર્ધજાગ્રત મન રૂપી ફળદ્રુપ જમીન અચૂક ઉગાડે છે. જીવનનાં તમારાં જે લક્ષ્ય છે તેની આસપાસના અને એ વિષયના જ વિચારો કર્યા કરશો એટલે આપમેળે તમારી સફળતા તરફની ગતિ વધી જશે. વેરવિખેર વિચારો પરિણામ બદલાતા નથી. માટે વિચારોનું એકત્રીકરણ કરી એને તમારા લક્ષ્ય તરફની દિશા આપો. વિચારોને દિશા મળે ત્યારે જ જીવનને દિશા મળે છે.
લક્ષ્ય તરફી વિચારો કરવા એટલે શું? એ કેવી રીતે કરશો?
તંદુરસ્તીની વાવણી : વિચારો દ્વારા
૧. સ્ફૂર્તિવાન અને તરવરાટવાળા લોકોના વિચારો કરો.
૨. લીલું ઘાસ, વૃક્ષો, ફૂલો અને હરિયાળીના વિચારો કરો.
૩. હસવું આવે તેવા રમૂજી વિચારો કરો.
મીઠા સંબંધોની વાવણી : વિચારો દ્વારા
૧. મળતાવડા અને નિ:સ્વાર્થી લોકોના વિચારો કરો.
૨. તમને બિલકુલ નકારાત્મક લાગતી વ્યકિતમાં કઇ બાબત સારી છે એના વિચારો કરો.
૩. લોકો તમારા માટે કેવો અભિપ્રાય બાંધે તો તમને ગમે એ બાબતના વિચારો કરો.
આર્થિક સમૃદ્ધિની વાવણી : વિચારો દ્વારા
૧.. ધનથી થઇ શકતા શ્રેષ્ઠ કાર્યોના વિચારો કરો.
૨. આકાશ, પાણી, હવા, વનસ્પતિ, જીવસૃષ્ટિ જેવા કુદરતના અખૂટ ખજાનાના વિચારો કરો.
૩. વિકસિત દેશોની સમૃદ્ધિના વિચારો કરો.
રોજ આ પ્રકારના વિચારો કરવાની આદત પાડશો એટલે ધીમે ધીમે તમારી માનસિક દુનિયામાં આમૂલ પરિવર્તન આવતું જશે જે તમને તમારા લક્ષ્ય સુધી લઇ જશે. તમારા હાલના સંજોગો ભલે ગમે તેવા હોય, પણ જો તમે વિચારોને બદલી શકો તો સંજોગોને પણ બદલી શકો. ‘